નેશનલ પોપ્યુલેશન એજ્યુકેશન પ્રોગ્રામ (NPEP), NCERT, નવી દિલ્હી દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેના એક્શન પ્લાનના ભાગરૂપે, GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત એક અનોખી પોસ્ટર નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા 19મી જુલાઈ, 2025ના રોજ રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાઈ હતી.
શાળાના આચાર્ય ડૉ. કલ્યાણજી ડાભીના માર્ગદર્શન હેઠળ અને શાળાના અભ્યાસેતર પ્રવૃત્તિ કન્વીનર જયેશભાઈ પઢારિયાના સુચારુ આયોજન થકી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કુલ 11 વિષયો પર આધારિત પોસ્ટર નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ, ભાવનાત્મક અને માનસિક આરોગ્ય, આંતરવ્યક્તિક સંબંધ, મૂલ્યો અને નાગરિકતા, જેન્ડર સમાનતા, પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા, નશીલા પદાર્થોના દુરુપયોગની રોકથામ અને વ્યવસ્થાપન, આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રસાર, પ્રજનન સ્વાસ્થ્ય અને એચ.આઈ.વી.ની રોકથામ, હિંસા અને ઈજાઓ સામે સલામતી અને સુરક્ષા, તથા ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું જેવા વિવિધ 11 વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. શાળાના કુલ 21 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં આરોગ્ય સંબંધિત જાગૃતિ વધારવાનો અને તેમને વિવિધ આરોગ્ય વિષયક મુદ્દાઓ પર વિચાર કરવા અને તેને કલાત્મક રીતે રજૂ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે આરોગ્ય શિક્ષણ મેળવવા અને તેને સમાજમાં ફેલાવવા માટે એક ઉત્તમ મંચ પૂરો પાડ્યો.