યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ:।
તેન ત્વામ્ પ્રતિબધ્નામિ રક્ષે મા ચલ મા ચલ।।
ઉપરોક્ત સંસ્કૃત સુક્તિને સાકાર કરવાના હેતુથી 8 ઓગસ્ટ 2025ના રોજ રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી નિમિત્તે રાખડી મેકિંગ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી ડૉ. કલ્યાણજી ડાભીના કુશળ માર્ગદર્શન હેઠળ અને શાળાના સહ અભ્યાસિક પ્રવૃત્તિ કન્વીનર શ્રી જયેશભાઈ એન. પઢારિયાના સમગ્ર આયોજન હેઠળ આ સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12ના કુલ 63 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા અને કલાત્મકતાનો પરિચય આપતા અવનવી અને સુંદર રાખડીઓ બનાવી હતી. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યેની રુચિ કેળવવાનો, તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો અને આપણા સાંસ્કૃતિક તહેવારોનું મહત્વ સમજાવવાનો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે શાળાના શિક્ષકોએ સેવા આપી હતી. વિદ્યાર્થીઓએ કાગળ, દોરા, મોતી, રેશમના તાંતણા, રંગો અને અન્ય સુશોભનની સામગ્રીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ એવી રાખડીઓ પણ બનાવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીની મહેનત અને કલાને બિરદાવવામાં આવી હતી. સ્પર્ધાના અંતે વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓમાં બંધુત્વ અને પ્રેમની ભાવના વધુ દૃઢ કરી અને રક્ષાબંધનના તહેવારની ગરિમાને વધુ ઉજાગર કરી. આ સમગ્ર કાર્યક્રમ શાળા માટે એક યાદગાર અને પ્રેરણાદાયક પ્રસંગ બની રહ્યો.