જિલ્લા કક્ષાના કલા ઉત્સવ 2025માં રાવળીયાવદર શાળાની 'દશાવતાર' કૃતિ પ્રથમ

*ગુંજ સફળતાની*

NCERT (રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ), નવી દિલ્હી દ્વારા આયોજિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરેન્દ્રનગર તથા સમગ્ર શિક્ષા, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા જિલ્લા કક્ષાના કલા ઉત્સવ 2025માં રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ કલા ઉત્સવમાં 'પરંપરાગત વાર્તા વાચન સ્પર્ધા' અંતર્ગત રાવળીયાવદર શાળાની 'દશાવતાર' નામની કૃતિ જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા બની છે. આ કૃતિમાં ધોરણ 12ની વિદ્યાર્થીની અંકિતા ઈશ્વરભાઈ કણઝરિયા અને ધોરણ 11ની વિદ્યાર્થીની મોનિકા પ્રતાપભાઈ દેત્રોજાએ શ્રેષ્ઠ પ્રસ્તુતિ આપી હતી. તેમની રજૂઆત એટલી પ્રભાવશાળી હતી કે નિર્ણાયકો અને ઉપસ્થિત સૌ કોઈએ તેની ખૂબ પ્રશંસા કરી હતી. આ સફળતા બદલ શાળા પરિવારે બંને વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
આ કૃતિને તૈયાર કરાવવામાં માર્ગદર્શક શિક્ષક સુશ્રી જીગ્નેશાબેન ડાભીએ ખૂબ જ મહેનત કરી હતી. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ આ સિદ્ધિ મેળવી છે, તે બદલ શાળા પરિવારે તેમનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. આ સિદ્ધિથી શાળાનું ગૌરવ વધ્યું છે અને અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળી છે.
Previous Post Next Post