વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ:।
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા॥
ગુજરાતમાં આજથી રિદ્ધિ-સિદ્ધિના દાતા અને પ્રથમ પૂજ્ય દેવ ગણેશજીની આરાધનાનો મહાપર્વ શરૂ થયો છે. સમગ્ર રાજ્યમાં, આસ્થા અને ઉમંગ સાથે લોકો વાજતે ગાજતે ગણેશજીની પ્રતિમાઓ પોતાના ઘર અને પંડાલોમાં સ્થાપિત કરી રહ્યા છે. આ પવિત્ર ઉત્સવના ભાગરૂપે, રાવળિયાવાંદર સરકારી શાળા પરિવારે પણ દુંદાળા દેવને ભવ્ય સન્માન સાથે આવકાર્યા હતા. 'ગણપતિ બાપા મોરિયા'ના જયઘોષ અને પુષ્પવર્ષા વચ્ચે, ગણેશજીની પ્રતિમાને શાળામાં લાવવામાં આવી હતી. આ અવસરે શાળા પરિસરમાં દિવ્ય અને આસ્થાભર્યો માહોલ છવાઈ ગયો હતો. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પૂરા ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
શાળાના શિક્ષકશ્રી અને કાર્યક્રમના યજમાનશ્રી જયેશભાઈ પઢારિયાના હસ્તે ગણેશજીની સ્થાપના અને પૂજા વિધિ શ્રી અંકિતભાઈ પંચોલી દ્વારા સંપન્ન થઈ. ત્યારબાદ મુકેશભાઈ, જીજ્ઞેશભાઈ, અંકિતભાઈ, રાહુલભાઈ સહિતના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાપૂર્વક આરતી કરી. શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભીના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું, જેણે શાળાના સમગ્ર વાતાવરણને આધ્યાત્મિકતાથી ભરી દીધું. આ ભવ્ય સ્થાપન બાદ, આગામી દિવસોમાં અહીં ગણેશજીની પૂજા, આરતી, અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉત્સવ માત્ર પૂજા-પાઠ પૂરતો સીમિત નથી, પરંતુ તે સૌને એકતાના તાંતણે જોડે છે અને સહિયારા ઉત્સાહથી ઉજવણી કરવાનો અવસર આપે છે. રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળાએ આ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યાં શિક્ષણની સાથે-સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું પણ સિંચન થઈ રહ્યું છે. આ સમગ્ર આયોજન દ્વારા શાળા પરિવારે ગણેશ ચતુર્થીના તહેવારની ભાવનાને સાચા અર્થમાં ઉજાગર કરી.