"ઘટમાં ઘોડા થનગને,આતમ વીંઝે પાંખ; અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ..."
-'રાષ્ટ્રીય શાયર' ઝવેરચંદ મેઘાણી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ તરીકેનુ બિરુદ આપ્યુ છે, તેવા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે 129મી જન્મજયંતિ છે ત્યારે રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૯મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડો. કલ્યાણજી ડાભીના માર્ગદર્શન હેઠળ, શાળાના સહ-અભ્યાસિક પ્રવૃત્તિ કન્વીનરશ્રી જયેશભાઈ પઢારીયા દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન હેઠળ શ્રી મેઘાણી સાહેબના શૌર્ય ગીત ગાન સ્પર્ધા અને પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત શૌર્ય ગીત ગાન સ્પર્ધાથી થઈ, જેમાં ધોરણ ૯ થી ૧૨ના ૧૩ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના ગીતો દ્વારા મેઘાણી સાહેબના શૌર્ય, દેશભક્તિ અને લોકસાહિત્યના અદભૂત વારસાને રજૂ કર્યો, જેનાથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીની રજૂઆત પ્રશંસનીય હતી.
આ ઉપરાંત, મેઘાણી સાહેબના પુસ્તકોનું એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જે શાળાના ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી વિષય શિક્ષક શ્રી ગૌતમભાઈ રાઠોડ ના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ, જ્યાં તેમની કલમે લખાયેલા વિવિધ સાહિત્યિક કૃતિઓ, જેમાં "સોરઠ તારા વહેતા પાણી", "યુગવંદના", "શિવાજીનું હાલરડું", અને "સૌરાષ્ટ્રની રસધાર" જેવા લોકપ્રિય પુસ્તકોનો સમાવેશ થતો હતો. આ પ્રદર્શનથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મેઘાણી સાહેબના સમૃદ્ધ સાહિત્યિક વારસાનો પરિચય થયો. શાળાના સહ-અભ્યાસિક પ્રવૃત્તિ કન્વીનર શ્રી જયેશભાઈ પઢારિયાએ જણાવ્યું હતું કે, "સૈકાઓથી મેઘાણી સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે, અને સાંપ્રત સમયમા પણ મેઘાણીજીનુ સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે. પાળિયાને પણ બેઠા કરનાર, અને લોકસાહિત્યના મોતી ઘર ઘર સુધી પહોંચાડનાર મેઘાણીજીની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનુ ધાવણ, માણસાઈના દિવા વિગેરે રચનાઓ, આજે પણ લોકોને વિરતા, પ્રેમ, કરૂણા, દયાભાવ, અને ખાનદાનીના પાઠ શીખવે છે."
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ગુજરાતી વિષયના શિક્ષક શ્રી ગૌતમભાઈ રાઠોડ, શ્રીમતી મંજુબેન બાટિયા, શ્રી મુકેશભાઈ પરમાર અને ધોરણ ૧૨ની વિદ્યાર્થીનીઓએ સખત મહેનત કરી હતી. કાર્યક્રમની યાદગાર પળોને કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફર શ્રી રાહુલભાઈ કણજરીયાએ ફોટોગ્રાફી કરી હતી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં મેઘાણી સાહેબના સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની રુચિ વધુ જાગૃત થઈ.