यत्र योगेश्वर: कृष्णो यत्र पार्थो धनुर्धर:।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम।।
ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા, ગૌરવ, ગરિમા અને અસ્મિતાનું વિદ્યાર્થીઓને જ્ઞાન થાય તે હેતુથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને સંસ્કૃતિના વિવિધ પાસાઓથી અવગત કરાવી, તેમના માનસિક, બૌદ્ધિક અને વ્યાવહારિક નૈતિકતાનું સ્તર ઊંચું લાવવાનો છે. આ પરીક્ષા છેલ્લા ૨૪ વર્ષથી ભારતના ૨૪ રાજ્યોમાં નવ જુદી જુદી ભાષાઓમાં યોજાઈ રહી છે.
આ વર્ષે, શ્રી ગાયત્રી શક્તિપીઠના અનુરોધને માન આપીને, સુરેન્દ્રનગર જિલ્લાના રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ડૉ. કલ્યાણજી ડાભીના માર્ગદર્શન હેઠળ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિ કન્વીનર જયેશભાઈ પઢારિયાના આયોજન હેઠળ, ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા યોજાઈ હતી.
શુક્રવાર, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ઓ.એમ.આર. પદ્ધતિથી લેવાયેલી આ પરીક્ષામાં કુલ ૬૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, તેના મૂલ્યો અને જીવનશૈલી વિશે ઊંડાણપૂર્વક જાણકારી મળી. આ પરીક્ષા સફળતાપૂર્વક યોજવા માટે શાળાના શિક્ષકો સ્નેહલભાઈ ગોહિલ, મુકેશભાઈ પરમાર, ગૌતમભાઇ રાઠોડ, ગાયત્રીબા જાડેજા અને જીગ્નેશભાઈ ઝખવાડિયાએ સઘન પ્રયાસો કર્યા હતા.
આ પરીક્ષા માત્ર એક શૈક્ષણિક પ્રવૃત્તિ નહિ, પરંતુ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને વિદ્યાર્થીઓમાં પુનઃસ્થાપિત કરવાનો એક સાર્થક પ્રયાસ હતો. આ પ્રકારની પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનું સર્વાંગીણ વ્યક્તિત્વ ઘડતર થાય છે અને તેઓ સમાજ માટે જવાબદાર નાગરિક બની શકે છે.