विद्वत्त्वं दक्षता शीलं सङ्क्रान्तिरनुशीलनम् ।
शिक्षकस्य गुणाः सप्त सचेतस्त्वं प्रसन्नता ॥
ઉપરોક્ત સંસ્કૃત સુક્તિને સાર્થક કરવા માટે શિક્ષણ અને જ્ઞાનના મહાન પ્રખર પુરુષ, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ, 5મી સપ્ટેમ્બર નિમિત્તે, રાવળીયાવદરની સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક દિનની અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભી સાહેબના સચોટ માર્ગદર્શન અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ કન્વીનરશ્રી જયેશભાઈ એન. પઢારિયાના સફળ પ્રયત્નોથી "સ્વયં શિક્ષક દિન" કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષકના કાર્ય અને તેની જવાબદારીઓનો અનુભવ કરાવવાનો, તેમજ તેમના મનમાં શિક્ષક પ્રત્યે આદર અને સન્માનની ભાવના દૃઢ કરવાનો હતો.
આ ખાસ દિવસે શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ પોતાની ભૂમિકાઓ બદલીને શૈક્ષણિક કાર્યભાર સંભાળ્યો હતો. ધોરણ 12ની હોશિયાર વિદ્યાર્થીની કણઝરિયા અંકિતાબેન ઈશ્વરભાઈએ આચાર્ય તરીકેની મહત્ત્વની જવાબદારી નિભાવી, જ્યારે અન્ય 30 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા અદા કરી હતી. આ વિદ્યાર્થી-શિક્ષકોએ વર્ગખંડમાં પ્રવેશતા જ એક નવા ઉત્સાહ સાથે પોતાના સાથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો. તેમણે પોતાના વિષયની ઊંડી સમજ અને અસરકારક પ્રસ્તુતિકરણ કૌશલ્યનો પરિચય આપ્યો, જેણે સૌને પ્રભાવિત કર્યા. વર્ગખંડમાં ચાલતી ચર્ચા-વિચારણા, પ્રશ્નોત્તરી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી શાળાનું વાતાવરણ જીવંત બન્યું હતું.
"સ્વયં શિક્ષક દિન" અંતર્ગત, વિદ્યાર્થી-શિક્ષકોના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે એક સુવ્યવસ્થિત પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. આ માટે શાળાના વરિષ્ઠ શિક્ષકો જીગ્નેશાબેન ડાભી, મુકેશભાઈ પરમાર, ગૌતમભાઈ રાઠોડ, દિપ્તીબેન ગોહિલ, મંજુબેન બાટિયા અને સ્નેહલભાઈ ગોહિલે નિર્ણાયક તરીકેની જવાબદારી નિભાવી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પણ પોતાના મનપસંદ શિક્ષકને વોટ આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, જેના આધારે પણ ક્રમાંક આપવામાં આવ્યા હતા. આ પદ્ધતિથી પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહી અને વિદ્યાર્થીઓને પણ પ્રક્રિયાનો ભાગ બનવાનો અવસર મળ્યો.
સ્વયં શિક્ષક દિનની ઉજવણી બાદ તમામ શિક્ષકો માટે "ગુરુત્વ અને શિક્ષકત્વ વંદન" કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ શિક્ષકો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. આજના દિવસે આચાર્ય બનેલ અંકિતા કણઝરિયાએ પોતાના પ્રતિભાવો આપેલ. સાથોસાથ કાજલબેન આકરિયાએ શિક્ષક પ્રતિભાવ અને મોનિકાબેન દેત્રોજાએ વિદ્યાર્થી પ્રતિભાવ આપેલ. આ પ્રસંગે, શાળાના શિક્ષક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કોર્ડીનેટરશ્રી જયેશભાઈ એન. પઢારિયાએ શિક્ષક દિન અને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આપણા દેશમાં શિક્ષક દિવસની ઉજવણીની શરૂઆતનું એક વિશેષ કારણ છે. ડૉ. રાધાકૃષ્ણન જ્યારે 1962માં રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ એક ભવ્ય સમારોહ તરીકે ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી. આના જવાબમાં ડૉ. રાધાકૃષ્ણને અત્યંત વિનમ્રતાપૂર્વક કહ્યું કે મારો જન્મદિવસ વ્યક્તિગત રીતે ઉજવવાને બદલે જો તમે આ દિવસને સમગ્ર દેશના તમામ શિક્ષકોના સન્માનમાં 'શિક્ષક દિવસ' તરીકે ઉજવશો, તો મને વધારે આનંદ અને ગર્વ થશે. આ રીતે, તેમનો જન્મદિન માત્ર વ્યક્તિગત ઉજવણી ન બનતા સમગ્ર દેશના શિક્ષકોના સન્માનનો દિવસ બન્યો. આ ઉમદા વિચારને કારણે જ 5 સપ્ટેમ્બર 1962 ના રોજ દેશમાં પ્રથમ વખત શિક્ષક દિવસની ઉજવણીની શરૂઆત થઈ." તેમના આ પ્રવચને ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હૃદયમાં શિક્ષક પ્રત્યેનો આદરભાવ વધુ દૃઢ કર્યો. કાર્યક્રમના અંતે, "સ્વયં શિક્ષક દિન" માં ભાગ લેનાર તમામ 30 વિદ્યાર્થીઓને તેમના ઉત્સાહ અને પ્રયત્નો બદલ શિક્ષકોના હસ્તે પુરસ્કાર અને સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે શાળાના તમામ શિક્ષકોએ પણ પોતાની શાળાની યાદોને તાજી કરી હતી અને તમામ શિક્ષકોને શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ખુશી અને ગૌરવની લાગણી સ્પષ્ટપણે જોવા મળી રહી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રીબા જાડેજા, જીગ્નેશભાઈ ઝખવાડિયા અને અંકિતભાઈ દેત્રોજાએ પણ સક્રિય સહયોગ અને મહેનત કરી હતી. રાહુલભાઈ કણઝરીયાએ પોતાની ફોટોગ્રાફી કૌશલ્યથી આ યાદગાર ક્ષણોને કેમેરામાં કંડારીને અમર બનાવી દીધી હતી. આ કાર્યક્રમ રાવળીયાવદરની સરકારી માધ્યમિક શાળાના શૈક્ષણિક ઇતિહાસમાં એક પ્રેરણાદાયક અને સ્મરણીય ઘટના બની રહ્યો, જેણે વિદ્યાર્થીઓને શિક્ષક બનવાનો અનમોલ અનુભવ આપીને ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા.