આગામી દિવાળીના પવિત્ર તહેવારની ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે, રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં દીપોત્સવ ૨૦૨૫ અન્વયે એક ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી આ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેને વિદ્યાર્થીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભી સાહેબના સચોટ માર્ગદર્શન હેઠળ અને શાળાના સહ અભ્યાસિક પ્રવૃત્તિ કન્વીનરશ્રી જયેશભાઈ પઢારિયાના સફળ પ્રયાસો થકી આયોજિત આ સ્પર્ધામાં ધોરણ ૯ થી ૧૨ના કુલ ૩૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ કુલ ૧૧ અલગ-અલગ ગ્રુપ બનાવીને રંગોળીઓ તૈયાર કરી હતી. દરેક ગ્રુપે દિવાળીના પર્વને અનુરૂપ અને પરંપરાગત વિષયો પર આધારિત મનમોહક અને કલાત્મક રંગોળીઓ બનાવીને પોતાની અદભૂત કલા-પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. શાળાનું વાતાવરણ રંગોની વિવિધતા અને વિદ્યાર્થીઓના ઉત્સાહથી છવાઈ ગયું હતું. સ્પર્ધાના મૂલ્યાંકન માટે શાળાના શિક્ષકોની એક નિષ્પક્ષ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમમાં શ્રીમતી જીગ્નેશાબેન ડાભી, શ્રીમતી મંજુબેન બાટીયા અને શ્રી સ્નેહલભાઈ ગોહિલનો સમાવેશ થતો હતો. નિર્ણાયકશ્રીઓએ રંગોળીઓની વિષયવસ્તુ, રંગોનું સંયોજન, સ્પષ્ટતા અને સર્જનાત્મકતા જેવા પાસાઓને ધ્યાનમાં રાખીને વિજેતા ગ્રુપ્સની પસંદગી માટેની જહેમતભરી કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. આ સફળ આયોજન બદલ શાળાના આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા અને તહેવારોની ઉજવણીમાં આવી પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવ્યું હતું.
રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં દીપોત્સવ ૨૦૨૫ રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન...
RSMS