આજે જ્યારે સમગ્ર ભારત દેશમાં ૭૭મા ગણતંત્ર પર્વની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની રાવળીયાવદર સરકારી હાઇસ્કૂલ ખાતે પણ આ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આજના આ પાવન અવસરે શાળાનું પ્રાંગણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. કાર્યક્રમની શરૂઆત થતાં જ શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગગનભેદી નારાઓ લગાવવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌના દિલમાં રાષ્ટ્રપ્રેમની અનોખી ચેતના જગાવી દીધી હતી. ધ્વજવંદન વિધિ રાવળીયાવદર ગામના માનનીય સરપંચશ્રી રતનભાઇ સારલાના વરદ હસ્તે કરવામાં આવી હતી. રાષ્ટ્રગીતની સૂરાવલી સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ, શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. તેમણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. પોતાના વક્તવ્યમાં તેમણે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી, બંધારણ ઘડતરની પ્રક્રિયા અને લોકશાહીના મૂલ્યો વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું આકર્ષક એન્કરિંગ ગુજરાતી વિષયના શિક્ષકશ્રી ગૌતમભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં રાવળીયાવદર ગામના વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ સર્વશ્રી મુકેશભાઈ પરમાર, દિપ્તીબેન ગોહિલ, જીજ્ઞેશ ઝખવાડિયા તેમજ ધોરણ ૯ થી ૧૨ ના સ્વયંસેવી વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં, આ યાદગાર પ્રસંગને કેમેરામાં કંડારવાની સેવા રાહુલભાઈ કણઝરિયાએ પૂરી પાડી હતી. આમ, રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં 77માં ગણતંત્રની હર્ષોલ્લાસથી ઉજવણી....
RSMS