તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળા ખાતે ‘શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ’ (SMDC)ની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક શાળાના આચાર્યશ્રી ડો. કલ્યાણજી ડાભીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
બેઠકની શરૂઆતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ શાળાના વિકાસને વેગ આપવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે શાળામાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી અને શાળાના નવા મકાનના બાંધકામનું નિરીક્ષણ કરી તેની પ્રગતિ ચકાસવામાં આવી હતી.
આગામી સમયમાં આવી રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પરિણામ લાવે તે માટે એક વિશેષ ‘એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત શાળાને ફાળવવામાં આવેલી ગ્રાન્ટના સદુપયોગ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટેના વિવિધ પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને, શાળા દ્વારા ભવિષ્યમાં યોજાનાર વાલી સંમેલનમાં વાલીઓની ૧૦૦ ટકા હાજરી રહે તે સુનિશ્ચિત કરવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી.
આ બેઠકમાં સમિતિના મોટાભાગના સભ્યો હાજર રહ્યા હતા અને શાળાની પ્રગતિ માટે પોતાના રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા, જેને આચાર્યશ્રીએ આવકાર્યા હતા.