રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળાનું ગૌરવ: રાજ્ય સ્તરીય ક્વિઝ સ્પર્ધામાં વિશેષ સન્માન...​

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિના ઉપલક્ષમાં 12 જાન્યુઆરીના રોજ 'ચૌદમી રાજ્ય સ્તરીય લેખિત ક્વિઝ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ્ઞાનવર્ધક સ્પર્ધામાં ધ્રાંગધ્રા તાલુકાની રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શાળાનું ગૌરવ વધાર્યું છે. ​આ સ્પર્ધાની વિશેષ બાબત એ હતી કે શાળાના ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા તમામ એટલે કે 100% વિદ્યાર્થીઓ (કુલ 197) આ ક્વિઝમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદના વિચારો અને મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી શાળા દ્વારા કરવામાં આવેલા આ સઘન પ્રયાસોની શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા વિશેષ નોંધ લેવામાં આવી હતી. ​100% ભાગીદારી નોંધાવવા બદલ આયોજકો દ્વારા રાવળીયાવદર સરકારી શાળાને સન્માનિત કરવામાં આવી હતી. પુરસ્કાર સ્વરૂપે શાળાને એક આકર્ષક સ્મૃતિચિહ્ન અને જ્ઞાનવર્ધક સાહિત્ય રૂપે રૂ. ૨૫૦૦/- ની કિંમતના સ્વામી વિવેકાનંદજીના પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા. ​આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભીએ શાળાના સહ-અભ્યાસિક પ્રવૃત્તિના કન્વીનર શ્રી જયેશભાઈ પઢારિયાની જહેમતને બિરદાવી હતી અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સન્માન શાળા પરિવાર માટે ગૌરવની બાબત બની રહ્યું છે.
Previous Post Next Post