🇮🇳 સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રાવળીયાવદર શાળામાં 'સન્માન સરદાર અને સંકલ્પ સ્વદેશી' કાર્યક્રમ યોજાયો...
દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત 'સ્વાવલંબન યાત્રા' અંતર્ગત 'સન્માન સરદાર અને સંકલ્પ સ્વદેશી' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાત વિદ્યાપીઠના ધ્યેય અને મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને 'સ્વાવલંબી ગામ થકી સર્વાંગી વિકાસ'ના લક્ષ્યને મૂર્તિમંત કરવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને તાલીમાર્થીઓ દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉપયોગના મહત્વ અને તેનાથી થતા આર્થિક તથા સામાજિક ફાયદાઓ વિશે ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર વક્તવ્યો આપવામાં આવ્યા હતા. સ્વદેશી અપનાવવાથી વ્યક્તિગત અને રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે સ્વાવલંબન હાંસલ કરી શકાય, તે અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે, "હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી"ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને હર્ષોલ્લાસથી કાર્યક્રમનું સમાપન થયું હતું. શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભીએ ગુજરાત વિદ્યાપીઠના આ અનન્ય અને પ્રેરક કાર્યક્રમની સરાહના કરી હતી અને તેમાં સહભાગી થયેલા તમામ તાલીમાર્થીઓ અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.