સમગ્ર શિક્ષા ગુજરાતની એક અનોખી પહેલ, "કૌશલ્યોત્સવ ૨૦૨૫-૨૬", નું આયોજન રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં ૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વોકેશનલ શાળાના વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને વોકેશનલ શિક્ષણ અંતર્ગત શીખેલા કૌશલ્યોને પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડવાનો હતો. કૌશલ્યોત્સવને માત્ર એક સ્પર્ધા તરીકે નહીં, પણ વિદ્યાર્થીઓની કૌશલ્ય સજ્જતાની ઉજવણી તરીકે જોવામાં આવે છે.
આ વર્ષના કૌશલ્યોત્સવની થીમ સંયુક્ત રાષ્ટ્રના (United Nations) ૨૦૩૦ એજન્ડાના ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) પર આધારિત હતી. ખાસ કરીને, ૧૭ SDG ગોલ્સમાંથી ૫ SDG ગોલને પામવા માટે નડતી સમસ્યાઓના "સમસ્યા ઉકેલણી" (Problem Solving) પર આ કૌશલ્યોત્સવ કેન્દ્રિત હતો. વિદ્યાર્થીઓએ યુનાઇટેડ નેશન્સના કોઈપણ એક સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેય (SDG) પર આધારિત પોતાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.
શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભીના માર્ગદર્શન હેઠળ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિ કન્વીનર શ્રી જયેશભાઈ એન. પઢારિયાના સુચારુ આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. વોકેશનલ ટ્રેનર ગાયત્રીબા જાડેજા અને સ્નેહલભાઈ ગોહિલે વિદ્યાર્થીઓને વિવિધ પ્રોજેક્ટ્સ તૈયાર કરવા માટે તાલીમબદ્ધ કરી ઉત્તમ કૃતિઓ બનાવવામાં સહાય કરી હતી.
આ કૌશલ્યોત્સવમાં ધોરણ ૯ થી ૧૨ના કુલ ૬૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ વિષયો પર અવનવી અને સર્જનાત્મક કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, અને સ્વચ્છતા જેવા SDG સંબંધિત ક્ષેત્રોમાં આવતી સમસ્યાઓનો ઉકેલ રજૂ કરતા મોડેલ્સ અને પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા.
કૌશલ્યોત્સવ પ્રદર્શનનું ઉદ્ઘાટન રાવળીયાવદર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી સતિષભાઈ પટેલના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો અને ધોરણ ૯ થી ૧૨ના આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવ્યું હતું.
આ પ્રદર્શનમાં અનેક કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી, પરંતુ ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ અક્ષય દેત્રોજા અને વિશાળ દેત્રોજા દ્વારા તૈયાર કરાયેલ આર્ટિફિશિયલ Suing Machine (કૃત્રિમ સીવણ મશીન) ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રોજેક્ટ્સ વોકેશનલ શિક્ષણની વ્યવહારુ અને ઉકેલ-કેન્દ્રિત અભિગમની ઝલક આપતા હતા.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કૌશલ્ય અને સમસ્યાનું નિરાકરણ કરવાની તેમની ક્ષમતા ગુજરાતના યુવાનોની ઉજ્જવળ સંભાવનાઓ દર્શાવે છે. આ કૌશલ્યોત્સવ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, નવીનતા અને ટકાઉ વિકાસના ધ્યેયો પ્રત્યે જાગૃતિ વધારવામાં સફળ રહ્યો.