ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) - ગાંધીનગરની પ્રેરણાથી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) - સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા શ્રી જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલેન્સ - કરમડના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જિલ્લા કક્ષાનું ભવ્ય 'ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન (બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન) ૨૦૨૫-૨૬' યોજાયું હતું. આ ત્રિ-દિવસીય પ્રદર્શન તારીખ ૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ચુડા તાલુકાના કરમડ મુકામે આવેલી શ્રી સ્વામી યોગાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીજી વિદ્યાધામ ગુરુકુળ ખાતે યોજવામાં આવ્યું હતું. આ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ધાંગધ્રા તાલુકાનું પ્રતિનિધિત્વ રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળાએ ગૌરવભેર કર્યું હતું. શાળાના આચાર્ય અને આધારસ્તંભ શ્રી ડો. કલ્યાણજી ડાભીના કુશળ માર્ગદર્શન હેઠળ શાળાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વર્ષના પ્રદર્શનનો મુખ્ય વિષય "વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM" રાખવામાં આવ્યો હતો. આ વિષયને અનુરૂપ, વિભાગ-૧ અંતર્ગત શાળાના ગણિત શિક્ષક શ્રી અંકિતભાઈ પંચોલીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓએ "કૃષિ રક્ષક (Agriculture Protector)" નામનો નવતર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. આ કૃતિ તૈયાર કરવામાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ પઢેરીયા નવઘણ કનૈયાલાલ, કોળી વિશ્વાસ વિક્રમભાઈ, જોષી મિત ઉમેશભાઈ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થી દેત્રોજા કલ્પેશ વિનોદભાઈએ અથાગ જહેમત ઉઠાવી હતી. 'કૃષિ રક્ષક' પ્રોજેક્ટ તેની ઉપયોગિતા અને નવીનતાને કારણે પ્રદર્શનમાં પધારેલા અન્ય વિદ્યાર્થીઓ, મુલાકાતી શિક્ષકો અને આમંત્રિત મહેમાનો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વિદ્યાર્થીઓને આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સતત પ્રોત્સાહિત અને માર્ગદર્શિત કરવા માટે શાળાના શિક્ષકો શ્રી જયેશભાઈ પઢારિયા અને શ્રી અંકિતભાઈ પંચોલીએ સફળ પ્રયાસો કર્યા હતા. વિદ્યાર્થીઓની આ વિશેષ સિદ્ધિ બદલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર દ્વારા તેમને પ્રમાણપત્ર અને શીલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળાના આ પ્રદર્શને સમગ્ર ધાંગધ્રા તાલુકાનું નામ રોશન કર્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળાનું ગૌરવવંતું પ્રદાન.....
RSMS