ગુજરાત સરકારના કૌશલ્ય વર્ધન અભિગમને વેગ આપવા માટે સમગ્ર શિક્ષા કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી - સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે ગત ૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સુરેન્દ્રનગર સ્થિત સી.યુ. શાહ ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે ભવ્ય **'જિલ્લા કક્ષા કૌશલ્યોત્સવ ૨૦૨૫'**નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યોનું અદભુત પ્રદર્શન કર્યું હતું.
શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભીના કુશળ માર્ગદર્શન અને શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી જયેશભાઈ પઢારિયાના સુંદર આયોજન હેઠળ શાળાએ આ કૌશલ્યોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં શાળાના વોકેશનલ વિભાગ અને કલા કૌશલ્ય વિભાગે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
શાળાના વોકેશનલ ટ્રેનર સુશ્રી ગાયત્રીબા જાડેજાના નેતૃત્વમાં ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ દેત્રોજા વિશાલ ભુપતભાઈ અને દેત્રોજા અક્ષય જીલાભાઈએ **"આર્ટિફિશિયલ સિલાઈ મશીન"**નો ઈનોવેટિવ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓની ટેકનિકલ સમજ અને કંઈક નવું કરવાની ધગશ દર્શાવતો હતો. તેમજ કલા અને સુશોભન ક્ષેત્રે, ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીઓ ઘેલડિયા સંજનાબેન રાજુભાઈ અને ગોળકીયા સુમનબેન હરજીભાઈએ **"હેન્ડમેડ ડેકોરેટિવ આઈટમ્સ"**ના સ્ટોલ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીનીઓએ પોતાની કોઠાસૂઝથી તૈયાર કરેલા સુશોભિત ગરબા, આરતીની થાળી, કલાત્મક દાંડિયા, દીવડા અને અન્ય હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ પ્રદર્શનમાં મૂકી હતી. રાવળિયાવદર શાળાના સ્ટોલ પર રજૂ થયેલી આ કૃતિઓ કૌશલ્યોત્સવમાં પધારેલા મુલાકાતીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને નિર્ણાયકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કૌશલ્યની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી.